ટોપ ટેન
રાજસ્થાનના ભાણગઢના અભેદ કિલ્લામાં સાંજ પછી કોઇને પ્રવેશવા દેવામાં આવતા નથી. કહેવાય છે કે એ ભૂતોનો કિલ્લો છે. ત્યાં સર્જાયેલી ભૂતાવળ એક પક્ષીય પ્રેમકથાને આધીન છે. આ પ્રેમકથા ભાણગઢના રાજવી પરિવાર સાથે જોડાયેલી છે
જયપુરથી અલવર જતાં રસ્તામાં આવતો ભાણગઢનો કિલ્લો રાજસ્થાન ફરવા ગયેલા મોટાભાગના લોકોએ જોયો હશે. આ કિલ્લો ૧૫૭૩માં રાજસ્થાનના આમેરના રાજવી ભગવંતદાસે બનાવડાવ્યો હતો, જે પછીનાં વર્ષોમાં ભગવંતદાસ મહારાજના બીજા નંબરના દીકરા માધોસિંહના કબજામાં આવ્યો હતો. કિલ્લાના સ્થાપત્યની વાત કરીએ તો ભાણગઢના આ કિલ્લાને પાંચ મુખ્ય દરવાજા છે અને કિલ્લામાં ચાર ખુફિયા એટલે કે ચોર રસ્તા છે. કહેવાય છે કે આ ચાર રસ્તાઓ ભારતનાં ચાર મહત્ત્વનાં શહેરોમાં ખૂલે છે,જેમાંથી એક શહેર દિલ્હી પણ છે. જ્યારે એવું પણ કહેવાય છે કે અન્ય ત્રણ શહેરમાં મુંબઈ, અમદાવાદ અને કન્યાકુમારીનો સમાવેશ થાય છે. એવું કહેવાતું હતું કે કિલ્લામાં બનાવવામાં આવેલાં આ ભોંયરાં માધોસિંહે એ સમયે ભાણગઢમાં રહેતાં ૧૦,૦૦૦ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાવ્યાં હતાં. કિલ્લાની ત્રણ બાજુએ પહાડો આવ્યા હતા તો ચોથી દિશા એટલે કે કિલ્લામાં પ્રવેશ જ્યાંથી થતો હતો એ જગ્યાએ સુરંગ ખોદીને રાખવામાં આવતી હતી. જો કોઈ અન્ય રાજવી હુમલો કરે તો એ સમયે આ સુરંગમાં દારૂગોળો ભરી દેવામાં આવતો, જેથી દુશ્મન સેનાને ઉપર કિલ્લા સુધી પહોંચવા જ ન મળે. જોકે આ સુરક્ષા અને આ સાવચેતી કાળા જાદુની સામે કામ ન લાગી અને આખો કિલ્લો ભૂતાવળને ભરખી ગયો.
એક અજબ લવસ્ટોરી
કહેવાય છે કે ભાણગઢના અભેદ કિલ્લામાં આજે જે કંઈ બની રહ્યું છે એ બધું એક પક્ષીય પ્રેમકથાને આધીન છે. આ પ્રેમકથા ભાણગઢના રાજવી પરિવાર સાથે જોડાયેલી છે. રાજવી પરિવારની રાજકુંવરી રત્નાવતી એના નામ મુજબ જ સ્વરૂપવાન હતી. રાજકુંવરીનાં માંગાં તો એ ચૌદ વર્ષની હતી ત્યારથી જ આવવા માંડયાં હતાં, પણ રાજપરિવારે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી કુંવરી અઢાર વર્ષની નહીં થાય ત્યાં સુધીમાં એનાં લગ્ન કરાવવામાં નહીં આવે. રાજાએ બનાવેલા આ નિયમ મુજબ જેવી રાજકુંવરી અઢારની થઈ કે તરત જ પરિવાર પાસે માગાંઓનાં ઢગલાં થઈ ગયાં. આવેલાં આ માગાંઓમાંથી કેટલાંક માગાંઓ રાજપરિવાર રૂબરૂ મોકલતા હતા. આવું જ માગું જોધપુરના રાજવી પરિવારે પોતાના રાજગુરુ અને તાંત્રિક સિંધિયા સાથે મોકલ્યું. સિંધિયાના સદ્નસીબે એ માગું પહોંચાડે એ પહેલાં જ તેને રત્નાવતી રૂબરૂ જોવા મળી અને એ પહેલી જ નજરે એના પ્રેમમાં પડી ગયો. જોકે એને પોતાની ઔકાત અને માધોસિંહના પરિવારની ક્ષમતા ખબર હતી એટલે તે રાજવીને પોતાના પ્રેમ વિશે કશું કહી ન શક્યો. શરૂઆતનો થોડો સયમ રત્નાવતીનું રૂપ તાંત્રિક સિંધિયાની આંખો સામેથી ખસતું નહોતું. રાજા પાસે તેની દીકરીનો હાથ માંગવાની તો એનામાં કોઈ હિંમત નહોતી એટલે સિંધિયાએ તરકીબ અજમાવી અને પોતાના કાળા જાદુની મદદ લીધી.
રત્નાવતીને અત્તરનો જબરદસ્ત શોખ હતો. અત્તર માટે એ દર અઠવાડિયે માર્કેટમાં જતી અને જાતે ખુશબો પારખીને અત્તર ખરીદતી. અઘોરી સિંધિયાને આ વાતની ખબર પડી એટલે તેણે ભાણગઢના સૌથી કીમતી અત્તર વેચતા વેપારીને ત્યાંની એક અત્તરની બોટલ પર જાદુ કરીને એમાં વશીકરણ ઉમેરી દીધું. આ અત્તર રાજકુંવરી સૂંઘે એટલે એમાં રહેલી વશીકરની અસર તેના પર થાય અને એ સિંધિયાની પાછળ ચાલતી થઈ જાય.
રાજકુંવરીએ એ જ અત્તર પસંદ કર્યું, જેમાં વશીકરણ કરવામાં આવ્યું હતું. જોકે અત્તર એની ખુુશબોના કારણે નહીં, પણ બોટલના શેપના કારણે પસંદ થયું હતું. રાજકુંવરી અત્તરની બોટલ હાથમાં લઈને ખોલવા જતી હતી ત્યાં એના સદ્નસીબે હાથમાંથી બોટલ છટકી અને એ જમીન પર એક પથ્થર સાથે અથડાઈ. બધું અત્તર પથ્થર પર ઢોળાઈ ગયું. આ આખો ખેલ એક ખૂણામાં ઊભેલો અઘોરી સિંધિયા જોતો હતો. આવું કંઈ બનશે એવી તો એણે ધારણા પણ નહોતી કરી. પથ્થર પર બોટલ પડતાં જ એ પથ્થર આખો અત્તરની ખુશબોથી ભરાઈ ગયો અને વશીકરણની બધી અસર એ પથ્થર પર થઈ. પત્યું. રાજકુંવરીને બદલે એ પથ્થર અઘોરી સિંધિયાની પાછળ-પાછળ રવાના થયો. સિંધિયા ભાગ્યો એટલે પથ્થર પણ એની પાછળ ઝડપથી ભાગ્યો. એક તબક્કે સિંધિયા પાછળ જોવા ગયો એમાં એ પથ્થર સીધો એના ચહેરા પર અફળાયો અને સિંધિયા સ્થળ પર જ મરી ગયો. જોકે મરતાં પહેલાં સિંધિયાએ પાણી માગ્યું, પણ એનાં કાળાં કરતૂત ખુલ્લાં પડી ગયાં હોવાથી કોઈએ એને પાણી આપ્યું નહીં એટલે સિંધિયાએ મરતાં પહેલાં શાપ આપ્યો કે એક દિવસ માત્ર રાજપરિવાર જ નહીં, આ કિલ્લામાં રહેતાં તમામ લોકો કમોતે મરશે અને એ લોકો ક્યારેય બીજો જન્મ લઈ શકશે નહીં.
સિંધિયાનો એ શાપ આજે પણ ભાણગઢના એ સમયના રહેવાસીઓ ભોગવી રહ્યા છે અને આત્મારૂપે કિલ્લામાં ભટકી રહ્યા છે.
એક યુદ્ધ અને બોલ્યો ખાતમો
થોડા સમય પછી ભાણગઢ અને અઝમગઢ નામની એક રિયાસત વચ્ચે યુદ્ધ થયું. આ યુદ્ધમાં ભાણગઢના તમામ રહેવાસીઓ માર્યા ગયા. રાજપરિવાર અને કુંવરી રત્નાવલી સહિતના સૌ પણ યુદ્ધમાં માર્યાં ગયાં. અઝમગઢના એ હુમલામાં સ્વાભાવિકપણે ભાણગઢના રહેવાસીઓ મરવા નહોતાં જોઈતાં, બૈરાંઓ અને બચ્ચાંઓની પણ હત્યા થવી નહોતી જોઈતી, પણ અઝમગઢના બાદશાહ અને એની સેનાએ ભાણગઢમાં બેફામ ઘાતકી રીતે કત્લ-એ-આમ શરૂ કર્યો અને માણસોને વીણી વીણીને માર્યા. બાળકોને પણ છોડવામાં ન આવ્યાં. કહેવાય છે કે આ બધું અઘોરીએ આપેલા શાપના કારણે બન્યું. અઘોરીએ આપેલા શાપના કારણે જ કિલ્લામાં વસતું એક આખું નગર ભૂત બન્યું. આ ભૂત અવારનવાર લોકોને દેખાવા લાગ્યું. રાતના સમયે એની ચિચિયારીઓ પણ સંભળાવા લાગી.
આ જ ભૂતના કારણે જ અઝમગઢના બાદશાહથી માંડીને અઝમગઢના અનેક બીજા લોકો પણ પરેશાન થઈ ગયા અને એક તબક્કે તેમણે આ જીતેલી વિરાસત પણ છોડી દીધી અને પછી ફરીથી અઝમગઢમાં રાજ શરૂ કરી દીધું. અઝમગઢના બાદશાહે પાછાં આવ્યા પછી પહેલું કામ ભાણગઢના કિલ્લામાં પ્રવેશબંધી જાહેર કરી હતી.
Comments
Post a Comment