જીવનના હકારની કવિતા - હિરેન દવે
ગઇકાલે લખેલી આવતીકાલની કવિતા
હું આવતી કાલમાં માનતો ન હોત
તો મેં કવિતા લખવી બંધ કરી હોત !
ગઈ કાલે જ
મારી પત્નીને મેં તુલસીનો છોડ ઊછેરતાં જોઈ હતી.
સાંજને સમયે સૂર્યનાં કિરણો
એના પાન પર લખતાં હતાં યાત્રાની લિપિ.
હું આજમાં માનું છું
એથી તો હું ગઇ કાલના કવિઓની કવિતા વાંચું છું.
સવારના સૂર્યનો તડકો
મારી બાલ્કનીમાં આવીને મારા ઘરને અજવાળી જાય છે.
પંખીનો ટહુકો ઘણીયે વાર મને ગીતનો ઉપાડ આપે છે.
શિશિરમાં
જેનાં સઘળાંયે પાન ખરી ગયાં છે
એવા વૃક્ષને તો
પંખીનો ટહુકો પણ પાંદડું લાગે.
હું એ ટહુકાને
આંખમાં આંજી લઉં છું
અને
લખું છું મારી લિપિ.
આવતી કાલ
એ ઈશ્વરનું બીજું નામ છે !
- સુરેશ દલાલ
ભવિષ્યની ચિંતા કરીને 'આજ'ને બગાડવા જેવું દુષ્કૃત્ય બીજું કોઈ નથી. 'આજની ઘડી તે રળિયામણી' - એ પંકિત નરસૈયાની છે પણ જીવનને પ્રેમ કરનારા દરેક પાસે એને માણવાનો હુન્નર જોઈએ જ જોઈએ ! આવતીકાલ આજ કરતાં વધુ સધ્ધર હશે એમ માનીને જીવવામાં 'આજ' વધારે બળુકી અને સફળ પુરવાર થાય છે. સુરેશ દલાલ હકારાત્મક સાહિત્યના સ્થપતિ છે. આવતી કાલ જાણે કે કવિતાનું પરોઢ લઈને આવતું ભરપૂર જીવનનું અફાટ અજવાળું છે. આવતીકાલ સપનાનું બીજું ઘર છે. બીજ માંથી વૃક્ષ થઈને ઊગેલા ઝાડને પણ આવતીકાલમાં રસ હોય છે.
તુલસીનો છોડ ઉછેરતી પત્નીને ખબર છે કે સુખને ઉગાડવામાં આનંદ માળો બાંધીને ઋણાનુબંધના પંખીને બોલાવવાનો જ છે ! યાત્રાની લિપિ લખતાં સૂર્યનાં કિરણો તુલસીના પાનને આવતીકાલનો અર્થ્ય આપે છે. આજમાં માનનારા આ કવિ ગઈકાલના કવિઓએ લખેલી આવતીકાલની કવિતા વાંચે છે. જેની આંખોમાં હકાર ઊગ્યો હોય એને ગ્લુકેમિયા ગૂંગળાવી શકતો નથી. બાલ્કનીનો તડકો રોજ સવારે અજવાળે છે ઘરને અને પંખીના ટહુકામાંથી ગીત શોધી શકનારા માણસ પાસે દુઃખને આવવું ગમે પણ અવર-જવર પૂરતું ! શિશિરમાં બધાં જ ખરી ગયેલાં પાન બીજું ઝાડ ઉગાડી નથી શકતાં પરંતુ વિરહનો ઉત્સવ ઊજવતું ઝાડ પંખીના ટહુકાથી ભરી દે છે આત્માના આકાશને ! એ જ ટહુકો ભીતરની યાત્રાની હસ્તપ્રત બને છે. આવતીકાલમાં ઈશ્વરનું બીજુ નામ જડી જાય છે, જેની શરૃઆત આજથી થાય છે.
કાલે કરવાનાં કામો આજે કરવાની આપણને ધીરે ધીરે ટેવ પડતી જાય છે. કાલે જીવવાનું ધારતા લોકોને સુરેશ દલાલ આજથી જીવવાનું ઇજન આપે છે. આવતીકાલ પાસે કેટલું બધું છે ! સપનાંઓ, અપેક્ષાઓ, કરવાનો બાકી રહી ગયેલો પ્રેમ, મહાત્ત્વાકાંક્ષાઓ, સફળતાને આંબવાનાં શિખરો, શાંત હૃદયનું એકાંત અને આજ જેવી આજ પણ આવતીકાલ પાસે જ છે. આવતીકાલ ઈશ્વરનું બીજું નામ છે અને જીવવનું ઉપનામ છે. ભરોસા અને વિશ્વાસ વચ્ચે ટકી રહેલી શ્રદ્ધા ક્યારેક આજ અને આવતીકાલ વચ્ચેનો સેતુ બને છે...
Comments
Post a Comment